સુરતમાં 14થી 23 ઓગસ્ટ દરમિયાન ‘રાખડી મેળો’ યોજાશે
સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સુરતમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા મહિલા કારીગરોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના હેતુથી 14થી 23 ઓગસ્ટ દરમિયાન ‘રા
‘રાખડી મેળો’ યોજાશે


સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સુરતમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા મહિલા કારીગરોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના હેતુથી 14થી 23 ઓગસ્ટ દરમિયાન ‘રાખડી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.

મજુરા ગેટ સ્થિત કૃષિ મંગલ હોલ ખાતે યોજાનારો આ મેળો ‘સ્નેહની રાખડી-સ્વાવલંબનની દોરી’ અને ‘હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી’ના સંદેશ સાથે યોજાશે. 10 દિવસ સુધી દરરોજ સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી મેળો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

મેળામાં રાજ્યભરની મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી પરંપરાગત અને ગૃહઉદ્યોગની વિવિધ કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. તેમાં હાથશાળ અને હસ્તકલાની વસ્તુઓ ઉપરાંત માટીકામ, મોતીકામ, ચર્મકામ, વાંસકામ, કાષ્ટકલા અને ટેરાકોટાની વિવિધ ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ઉપરાંત પ્રખ્યાત પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, મશરૂ અને કલમકારી વર્ક સહિતની વિવિધ સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓ પણ મેળામાં ઉપલબ્ધ રહેશે.

મહિલા કારીગરોને તેમના ઉત્પાદનો માટે બજાર અને યોગ્ય તક મળે તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળે તે હેતુથી, યોજાનારા આ મેળાનો સુરતના નાગરિકો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande