


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે 15 ઓગસ્ટે યોજાનાર 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પૂર્વે રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન કલેક્ટરે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આગામી મુખ્ય કાર્યક્રમમાં ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર ધ્વજવંદન કરશે.
ધ્વજવંદન, હર્ષધ્વનિ, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, હોર્સ શો, ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે યોજાય તે માટે કલેક્ટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમની રજૂઆતથી સમગ્ર પરિસરમાં રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવવા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રિહર્સલમાં જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર ડો. મેહુલ બરાસરા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ