
ભાવનગર, 13 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે આવેલું શ્રી જાળનાથ મહાદેવ મંદિર શ્રદ્ધા, આસ્થા અને લોકપરંપરાનું અનોખું ધામ છે. પ્રકૃતિના ખોળામાં વસેલું આ પવિત્ર સ્થળ વર્ષોથી ભક્તોની અખૂટ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે.
લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ વિસ્તારમાં લોકો ધનની શોધમાં જમીનનું ખોદકામ કરી રહ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિનો ત્રીકમ શિવલિંગ સાથે અથડાયો હતો. કહેવાય છે કે ત્રીકમ વાગતાં જ શિવલિંગમાંથી રક્તધારા વહેવા લાગી હતી. આ અદ્ભુત ઘટના અંગે જાણ થતાં ગામના વડીલો ઘટનાસ્થળે પહોંચ્યા અને પથ્થરો વચ્ચે રહેલા શિવલિંગની વિધિવત સ્થાપના કરી પળાસ નદીના પવિત્ર જળથી અભિષેક કર્યો હતો.
ઝાળાના વૃક્ષ નીચે અને જંગલ વિસ્તારમાં આ શિવલિંગ મળી આવ્યું હોવાથી તેનું નામ ‘જાળનાથ મહાદેવ’ પડ્યું હોવાની લોકમાન્યતા છે. સમય જતાં આ સ્થળ ભક્તિનું પવિત્ર કેન્દ્ર બન્યું અને આજે પણ મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શન કરવા આવે છે.
જાળનાથ મહાદેવની પાવન ભૂમિ સાથે રામકથાની પરંપરા પણ લાંબા સમયથી જોડાયેલી છે. ગામમાં સતત ૪૭ વર્ષથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે ૪૮મી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે વર્ષોથી એક જ વ્યાસપીઠ અને એક જ વક્તા સાથે આ પરંપરા જાળવવામાં આવી છે.
આ ઉપરાંત ગામ દ્વારા શ્રી જાળનાથ મહાદેવનું વિશાળ અને ભવ્ય મંદિર નવનિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના નવનિર્માણથી ધામની ભવ્યતામાં વધારો થયો છે. રામકથા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથાનો લાભ લે છે.
શ્રી જાળનાથ મહાદેવનું આ ધામ આજે પણ શ્રદ્ધા, સંસ્કાર, પરંપરા અને એકતાની જીવંત ધરોહર બનીને નવી પેઢીને આધ્યાત્મિક વારસો આપી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA