
અમરેલી,, 13 ઓગસ્ટ (હિ.સ.)
અમરેલીમાં 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તા. 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ, 2026 દરમિયાન જાહેર જનતા માટે વિશેષ **‘શસ્ત્ર પ્રદર્શન’**નું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા, શિસ્ત અને પોલીસની આધુનિક કાર્યપદ્ધતિની ઝાંખી કરાવતું આ પ્રદર્શન લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા અને ગુનાખોરી સામેની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા અત્યાધુનિક હથિયારો, સુરક્ષા સાધનો અને નવીન ટેક્નોલોજીનું નિદર્શન કરવામાં આવશે. ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સ સહિત પોલીસની વિવિધ વિશેષ ટીમોની કામગીરી અંગે પણ લોકોને માહિતી આપવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત પોલીસની આધુનિક કાર્યપદ્ધતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ‘મિશન સ્માઈલ’ સહિતના વિવિધ પ્રયાસોની ઝાંખી પણ પ્રદર્શનમાં જોવા મળશે. પોલીસ દળ કેવી રીતે આધુનિક ટેક્નોલોજી, તાલીમ અને વિશેષ સાધનોના ઉપયોગથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે તેની માહિતી લોકોને મળશે.
આ શસ્ત્ર પ્રદર્શન માત્ર હથિયારોનું પ્રદર્શન નહીં પરંતુ પોલીસના શૌર્ય, શિસ્ત, તાલીમ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થાને નજીકથી સમજવાની તક પૂરી પાડશે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને આ વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈ પોલીસની કાર્યપદ્ધતિ અને સુરક્ષા વ્યવસ્થાની ઝાંખી નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai