સુરતના 88 શિક્ષકોને પૂર્ણ પગારના હુકમોનું વિતરણ
સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે જિલ્લા સેવા સદન ખાતે સુરત શહેર અને જિલ્લાના અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૮૮ શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતાં પૂર્ણ પગારના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટ
શિક્ષકોને પૂર્ણ પગારના હુકમોનું વિતરણ


સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે જિલ્લા સેવા સદન ખાતે સુરત શહેર અને જિલ્લાના અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૮૮ શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતાં પૂર્ણ પગારના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટર તેજસ પરમારે પૂર્ણ પગારના હુકમ મેળવનારા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે શિક્ષકોને વિદ્યાર્થીઓ અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અપીલ કરી હતી.

કલેક્ટરે જણાવ્યું હતું કે, બદલાતા સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ પદ્ધતિમાં પણ જરૂરી પરિવર્તન લાવવું જોઈએ. વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન પૂરતું ન રહે, પરંતુ વ્યવહારુ જ્ઞાન, કલા અને કૌશલ્ય ક્ષેત્રે પણ યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળે તે જરૂરી છે.

તેમણે શિક્ષકોને બાળકોમાં શિક્ષણ સાથે સભ્યતા, સ્વચ્છતા અને નિયમિતતા જેવા પાયાના સંસ્કારોનું સિંચન કરી તેમને જવાબદાર નાગરિક તરીકે ઘડવા અનુરોધ કર્યો હતો.

પાંચ વર્ષ પૂર્ણ કરનારા કરાર આધારિત શિક્ષકોને તાત્કાલિક પૂર્ણ પગારના હુકમો આપવા બદલ કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર અને તેમની ટીમની ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ કામગીરીને બિરદાવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે સુરત જિલ્લામાં સતત ઘટી રહેલા ડ્રોપઆઉટ દર અને શિક્ષણની ગુણવત્તામાં થઈ રહેલા સુધારા અંગે માહિતી આપી હતી. તેમણે તમામ શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી સતત જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande