
સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-આગામી 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુરત શહેરના ઉમરા સ્થિત કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9 વાગ્યે યોજાશે. સુરત જિલ્લા પ્રભારી તથા નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાનારા, આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર તેજસ પરમારની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે સ્થળ પર રિહર્સલ પણ યોજાયું હતું.
રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કોઈ કચાશ ન રહે અને તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ પરેડ, ધ્વજદંડ, સ્ટેજ, સભામંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પાર્કિંગ સહિતની વિવિધ વ્યવસ્થાઓ પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.
રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી વી.જે. ભંડારી, નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એ.પી. ગોહિલ સહિત કાર્યપાલક ઇજનેરો, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે