
સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-‘વિશ્વ અંગદાન દિન’ નિમિત્તે સુરતમાં અંગદાન જાગૃતિ સાથે સામાજિક સેવા, ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ’ અને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૨૬૫ના વિદ્યાર્થીઓને ‘અંગદાન મહાદાન’નો સંદેશ આપતી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરસેવક વ્રજેશ ઉનડકટ દ્વારા ચલાવવામાં આવતા ‘જૂની સાયકલ, નવા સપના’ અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારોની ચાર તેજસ્વી દીકરીઓને નવી સાયકલો અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ’ના સ્થાપક તથા દંતચિકિત્સક અને સલાહકાર ડૉ. ભૈરવી જોશી ઉપસ્થિત રહ્યા હતા.
વ્રજેશ ઉનડકટ છેલ્લા ઘણા વર્ષોથી લોકોના ઘરોમાં બિનઉપયોગી પડી રહેલી જૂની સાયકલો એકત્રિત કરી તેનું સમારકામ કરાવી જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે અર્પણ કરે છે. અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ ૨૯૪થી વધુ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉનડકટે જણાવ્યું હતું કે, સાયકલ મળવાથી આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો સમયસર શાળાએ પહોંચી શકે છે, અભ્યાસ પ્રત્યે તેમનો ઉત્સાહ વધે છે અને નિયમિત સાયકલ ચલાવવાથી શારીરિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. સાથે જ પસ્તી એકત્રિત કરીને તેમાંથી મળતી આવકથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા અન્ય શૈક્ષણિક સામગ્રી પણ આપવામાં આવે છે. તેમણે નાગરિકોને ઘરમાં બિનઉપયોગી પડેલી જૂની સાયકલ અને પસ્તી આ સેવાકાર્ય માટે દાન કરવા અપીલ કરી હતી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આશરે ૯૮ સફળ અંગદાન થયા છે, જેના કારણે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિના કાર્યને સમગ્ર ગુજરાતમાં જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના પ્રેરણા અને સહકારથી વિશ્વ અંગદાન દિન નિમિત્તે શાળાના બાળકોમાં પણ અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
TNAIના સેક્રેટરી તથા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે અંગદાન જેવા પવિત્ર કાર્યની જાગૃતિ જન-જન સુધી પહોંચાડવા આવા સામાજિક કાર્યક્રમો મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમ દ્વારા, અંગદાન જાગૃતિ સાથે ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ’ અને સાયકલ વિતરણ થકી બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં નર્સિંગ એસોસિએશનના જગદીશ બુહા, શાળાના આચાર્ય-શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે