
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.) : રાધનપુર કોલેજના NSS અને NCC યુનિટ દ્વારા 13 ઓગસ્ટ, 2026ના રોજ કોમર્સ વિભાગમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. તુષાર વ્યાસ, ડૉ. સુરેશ ઓઝા અને NCC અધિકારી લે. નિકુંજભાઈ પ્રજાપતિના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમનો પ્રારંભ ડૉ. સુરેશ ઓઝાએ શિવ સ્તુતિથી કર્યો હતો.
આ પ્રસંગે આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરે વિદ્યાર્થીઓને સંબોધતા દેશભક્તિને માત્ર પ્રસંગ પૂરતી સીમિત ન રાખી રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. તેમણે સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા તેમજ દરેક ઘરની છત પર રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં કોલેજના અધ્યક્ષ ડૉ. ચિરાગકુમાર વી. રાવલ સહિત અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ ડૉ. સુરેશભાઈ ઓઝાએ કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીથી સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ