
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પવિત્ર શ્રાવણ માસનો આજથી ધર્મમય માહોલમાં પ્રારંભ થયો છે. શિવજીને અતિપ્રિય આ માસના પ્રથમ દિવસે જ પાટણના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે શ્રદ્ધા જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા-અભિષેક કર્યો હતો. ગુરુવારે સિદ્ધિયોગમાં શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાટણના સિદ્ધનાથ મહાદેવ, બાગેશ્વર મહાદેવ અને ગાયકવાડ સરકારના સમયથી સ્થાપિત છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. શિવભક્તોએ ભગવાન આશુતોષને પંચામૃતનો, અભિષેક કરી પુષ્પ અને બીલી અર્પણ કર્યા હતા. પ્રથમ દિવસે શંખનાદ અને ધ્વજારોહણ સાથે શિવ ઉપાસનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મૂળેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ સહિતના શહેરના અન્ય શિવાલયોમાં પણ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની આરાધના કરી હતી. મંદિરોમાં ‘હર હર મહાદેવ’ના જયઘોષ અને શિવમંત્રોના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આમ, ધર્મનગરી પાટણમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ