
ભાવનગર, 13 ઓગસ્ટ (હિ.સ.)હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સંજીવની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય, ભાવનગર ખાતે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પુસ્તકાલયમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તિરંગો પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ તથા સન્માનની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજના ગૌરવ અને મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તિરંગાના ત્રણ રંગો તથા તેના પ્રતીકાત્મક મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. સાથે સાથે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી જેવા વિષયો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પુસ્તકાલયમાં અભ્યાસ અને વાંચન માટે આવતા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે અને સામાજિક જાગૃતિનો સંદેશ પહોંચે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગો હાથમાં લઈને વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સંજીવની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી પુસ્તકાલયનું વાતાવરણ રાષ્ટ્રભાવનાથી રંગાઈ ગયું હતું. અભ્યાસ, જ્ઞાન અને વાંચન સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA