

વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દંતેશ્વરના વુડાના મકાનમાં યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી છે. હત્યામાં મેહુલ ભરતસિંહ દરબાર નામના યુવકનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, ત્રણ દિવસ અગાઉ મેહુલ દરબારની વિજય સહિત અન્ય યુવકો સાથે તકરાર થઈ હતી. ત્યારબાદ મામલે સમાધાન કરાવવા માટે મેહુલને બોલાવવામાં આવ્યો હતો. જોકે, સમાધાનના બહાને બોલાવ્યા બાદ અચાનક તેના પર ચપ્પાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા મેહુલને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સૌથી કરુણ બાબત એ છે કે આજે જ મેહુલનો જન્મદિવસ હતો અને જન્મદિવસનો દિવસ જ તેના મોતનો દિવસ બની ગયો. મેહુલ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હુમલામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ