
સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-સુરતના ઉધના વિસ્તારમાં સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક પ્રેમપ્રકરણમાં 24 વર્ષીય પરિણીત યુવક અને 16 વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંનેના મૃતદેહ રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે આવેલા એક જ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે સ્થાનિક લોકોએ ઝાડ પર બે મૃતદેહ લટકતા જોયા બાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા ઉધના પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક મૂળ દાહોદનો વતની હતો અને આશરે દોઢ મહિના પહેલાં રોજગારી માટે સુરત આવ્યો હતો. યુવકના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, 16 વર્ષની સગીરા પણ તેની સાથે મજૂરીકામ માટે જતી હતી. છેલ્લા એક મહિનાથી બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
પરિવારજનોને બંનેના સંબંધ અંગે જાણ ન હોવાનું જણાવાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી બંને ગુમ હતા, જેથી તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન ખાડી કિનારે બંનેના મૃતદેહ મળી આવતા પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને બંનેએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે