
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણની ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સર્જરી વિભાગે 4 મહિનાના બાળક પર જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી છે. બાળકને પેટમાં અસહ્ય દુખાવો, ઉલટી અને પેટ ફૂલવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. તપાસ અને ઈમેજિંગ રિપોર્ટમાં બાળકને ‘ઈન્ટસસસેપ્શન’ નામની ગંભીર આંતરડાની બીમારી હોવાનું નિદાન થયું હતું.
કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને સર્જરી યુનિટના વડા ડો. કૌશિક કડિયા અને ડો. સાગર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે તાત્કાલિક લેપ્રોટોમી સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. ડો. હના મુસા અને બાળરોગ નિષ્ણાત ડો. નેહા શર્માના સહયોગથી કરવામાં આવેલી આ જટિલ સર્જરી સફળ રહી અને બાળકના આંતરડાની સ્થિતિ સામાન્ય કરવામાં આવી.
સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તબીબોએ જણાવ્યું કે નાના બાળકોમાં પેટમાં અસહ્ય દુખાવો, વારંવાર ઉલટી, પેટ ફૂલવું અથવા મળમાં લોહી જેવા લક્ષણો જણાય તો સમય ગુમાવ્યા વિના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જરૂરી છે. ઈન્ટસસસેપ્શનની સ્થિતિમાં એક આંતરડું બીજા આંતરડામાં પ્રવેશી જતા આંતરડામાં અવરોધ સર્જાઈ શકે છે, તેથી સમયસર સારવાર અત્યંત મહત્વપૂર્ણ બને છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ