
ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગરના પેરા ટેબલ ટેનિસના આંતરરાષ્ટ્રીય ખેલાડી દંપતી અલ્પેશ સુતરીયા અને સંગીતા સુતરીયાએ બેવડી સિદ્ધિ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજ્યકક્ષાના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થયા બાદ બંને ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની પેરા ટેબલ ટેનિસ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત સરકારના Sports Authority of Gujarat દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અલ્પેશ સુતરીયાને ‘એકલવ્ય સિનિયર એવોર્ડ’ અને સંગીતા સુતરીયાને ‘સરદાર પટેલ સિનિયર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે તા. 12 અને 13 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે અભય પ્રશાલમાં યોજાયેલી First Para Table Tennis National Ranking Championship 2026-27માં અલ્પેશ સુતરીયાએ ક્લાસ-1 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે સંગીતા સુતરીયાએ ક્લાસ-4 કેટેગરીમાં ટોપ-6માં સ્થાન મેળવ્યું હતું.
80 ટકા દિવ્યાંગતા ધરાવતા અલ્પેશ સુતરીયા ક્લાસ-1 કેટેગરીના આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. વ્હીલચેર સહિતના પડકારો વચ્ચે તેમણે સતત મહેનત અને શિસ્તના બળે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 76 ટકા દિવ્યાંગતા ધરાવતા સંગીતા સુતરીયા પણ ક્લાસ-4 કેટેગરીના આંતરરાષ્ટ્રીય ખેલાડી છે.
બંનેની સફળતા સતત પરિશ્રમ, દૃઢ મનોબળ અને રમત પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ બની છે. તેમની સિદ્ધિ બદલ રમતગમત ક્ષેત્રના આગેવાનો અને ભાવનગરના રમતપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA