જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ પરિસરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીક એક નવજાત બાળકનો મૃતદેહ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતાં હોસ્પિટલ તંત્ર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મ
નવજાત શિશુ મળી આવ્યું


જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ પરિસરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીક એક નવજાત બાળકનો મૃતદેહ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતાં હોસ્પિટલ તંત્ર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં આવેલા પી.પી.ટી.એલ./એફ.બી. વિભાગની બંધ સીડી નજીક એક નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ગાયનેક વિભાગના સ્ટાફની નજર આ બાળક પર પડતાં તેમણે તુરંત જ તંત્રને જાણ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, બાળક મૃત હાલતમાં છે. કોઈ અજાણ્યા પરિવાર કે વ્યક્તિ દ્વારા બાળકને અહીં છોડી દેવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

બનાવ અંગે 112 ઈમરજન્સી સેવા મારફતે પોલીસને જાણ કરવામાં આવતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકનો મૃતદેહ કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

નવજાત બાળકને હોસ્પિટલમાં કોણ અને કયા સંજોગોમાં મૂકી ગયું તે દિશામાં પોલીસે સઘન તપાસ આદરી છે. બાળકને ત્યજીજનાર સુધી પહોંચવા માટે પોલીસે ગાયનેક વિભાગ તથા હોસ્પિટલ પરિસરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે. આ કરૂણ બનાવને પગલે હોસ્પિટલ પરિસરમાં અરેરાટી સાથે ભારે ચર્ચા જાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande