
જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ખોજાનાકા વિસ્તારમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી રહેલા ચાલકે મોટરસાઇકલને હડફેટે લેતાં બાઇક સવાર બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તા. 12 ઓગસ્ટના રોજ સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં ખોજાનાકા, ખોજાવાડ પીર ચોક નજીક ફરીયાદી હસમતના પિતા ગફારભાઇ તથા તેના મામા તબરેઝભાઇ મોટરસાઇકલ નં. જીજે-10-ડીએમ-3321 પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન સફેદ રંગની હોન્ડા સિટી કાર નં. જીજે-18-બીડી-6682ના ચાલકે કાર પૂરઝડપે, ગફલતભરી અને બેફિકરાઇથી હંકારી માનવજીવન જોખમાય તે રીતે ચલાવી આવી મોટરસાઇકલને અડફેટે લીધી હતી. અકસ્માતના પગલે મોટરસાઇકલ સવાર બંને રોડની નીચે પટકાયા હતા.
અકસ્માતમાં ફરિયાદીના પિતા ગફારભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર થવા ઉપરાંત પગની ચામડી ફાટી જવા સહિત શરીરે ઇજાઓ થઈ હતી. જ્યારે તેમના મામા તબરેઝભાઇને માથાના ભાગે તેમજ ડાબા ખભા અને જમણા સાથળમાં ફ્રેક્ચરની ઇજાઓ તથા શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે હોન્ડા સિટી કારના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(એ), 125(બી) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt