અમદાવાદના મનપસંદ જીમખાનામાં જુગારધામમાં મોટી કાર્યવાહી, દરિયાપુર પીઆઇ,પીએસઆઇ અને સર્વેલન્સ પીએસઆઇ સસ્પેન્ડ
અમદાવાદ,14 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના બહુચર્ચિત દરિયાપુરના મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં કરોડો રૂપિયાના જુગારધામનો પર્દાફાશ થયો હતો. જે બાદ પોલીસ બેડામાં મોટી હલચલ મચી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અહેવા
Major action taken against gambling den in Ahmedabad's Manpasand Gymkhana


અમદાવાદ,14 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના બહુચર્ચિત દરિયાપુરના મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં કરોડો રૂપિયાના જુગારધામનો પર્દાફાશ થયો હતો. જે બાદ પોલીસ બેડામાં મોટી હલચલ મચી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અહેવાલ બાદ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસની બેદરકારી અને આંતરિક સંડોવણી સામે આવતાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જી.વી. ગોહિલ, દરિયાપુર ચોકી પીએસઆઇ અને સર્વેલન્સ પીએસઆઇને તાત્કાલિક સરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

SMCની અચાનક રેડ પડી હતી

અમદાવાદના દરિયાપુર મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જી.વી.ગોહિલ, સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇને રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.બંને અધિકારીઓની બેદરકારીના કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇને સોંપવામાં આવ્યો છે.

દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં અવારનવાર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હોવાની જાણકારી હોવા છતાં સ્થાનિક દરિયાપુર પોલીસ અને શહેર પોલીસની એજન્સીઓ આંખ આડા કાન કરી રહી હતી. ભૂતકાળમાં પણ આ સ્થળેથી જુગાર ઝડપાઈ ચૂક્યો હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ કડક ચેકિંગ કે કાર્યવાહી થતી નહોતી.

પોતાના જ વિસ્તારમાં આટલું મોટું જુગારધામ ધમધમતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી કે, પછી આંખ આડા કાન કર્યા, તે અંગે સંશય સેવાઈ રહ્યો છે.એસએમસીની અચાનક પડેલી રેડમાં અનેક શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા અને મોટો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મનપસંદ જીમખાનામાં અત્યંત સુનિયોજિત રીતે મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હતો. સંચાલકોએ પોલીસની પકડથી બચવા અને રોકડ વ્યવહારોને છુપાવવા માટે એક ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી.

આ મોડસ ઓપરેન્ડી મુજબ, જુગાર રમવા આવનાર વ્યક્તિએ સૌથી પહેલા જીમખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુખ્ય ઓફિસમાં જઈને રોકડ રકમ જમા કરાવવાની રહેતી હતી. રોકડ જમા કરાવ્યા બાદ તેમને એક રસીદ આપવામાં આવતી હતી, જેના આધારે જ તેમને બીજા અને ત્રીજા માળે ચાલતા જુગારના ટેબલ પર દાવ લગાવવાની મંજૂરી મળતી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande