
- આરોપીઓને જાહેરમાં માર મારવા મુદ્દે તે જ હોદ્દા પર રાખી તપાસ ન થઈ શકે
અમદાવાદ,14 ઓગસ્ટ (હિ.સ.) સુરતમાં 13 જુલાઈએ ડીસીપી રાજદીપસિંહ નકુમે આરોપીઓને જાહેરમાં માર મારવા તથા તેમનું સરઘસ કાઢવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કડક વલણ અપનાવતાં હાઇકોર્ટે કહ્યું કે, ઘટનામાં સામેલ ડીસીપી એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ.
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓને સબક શીખવવાના નામે ડીસીપી રાજદીપ નકુમ ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હોય તેમ આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આટલેથી ન અટકતા થોડે થોડે અંતરે આરોપીઓને ઉભા રાખી વાળ પકડી લાફા અને લાકડીઓ મારતા રહ્યા. આખા સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર 25થી વધુ લાકડીના ઘા કર્યા હતા.
સરકારી વકીલે રજૂઆત કરી કે, ડીજીપીના આદેશથી સુરત પોલીસ કમિશરે એડિશનલ સીપી (ક્રાઇમ)ને આ ઘટનાની તપાસ સોંપી છે અને વીડિયોમાં દેખાતા લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેના પર હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આ માત્ર પ્રાથમિક તપાસ છે. ડીસીપી ઘટનાસ્થળે હાજર હતા અને વીડિયો વાઇરલ થયા હોવાથી ઘટનાનો ઇનકાર થઈ શકે નહીં. જો અધિકારી તે જ જગ્યા પર રહેશે તો નીચેના કર્મચારીઓ તેમની વિરુદ્ધ બોલી શકશે નહીં.
કોર્ટ મિત્રએ જણાવ્યું કે, આ સબંધે અગાઉ બે સર્ક્યુલર નીકળ્યા છે. એક 2019નો છે, જેમાં આરોપીઓને દોરડાથી બાંધવા, સરઘસ કાઢવું, હાથકડી પહેરાવવી, જનતા સામે દેખાડો કરવો વગેરે ઉપર પ્રતિબંધ છે. 2018માં હાઇકોર્ટમાં અરજી ફાઇલ થઈ હતી, રાજ્યમાં 10 ઘટના બની હતી. ઉપરના સર્ક્યુલરથી હાઇકોર્ટને સંતોષ થતા અરજીનો નિકાલ થયો હતો. પરંતુ ફરી વર્ષ 2022માં ખેડામાં આવો બનાવ બન્યો હતો, જેમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ થતા જવાબદાર પોલીસ કર્મચારીઓને સજા કરાઈ હતી.
પરંતુ તેની સુનાવણીમાં ચર્ચા દરમિયાન એક સર્ક્યુલર જાહેર કરાયો હતો, જે મુજબ પોલીસ દ્વારા જાહેરમાં આરોપીઓને જાહેરમાં માર મારવો, ઉઠક બેઠક કરાવવા, ઘૂંટણીએ ચલાવવા, દોરડાથી બાંધવા, માફી મંગાવવી, વગેરે ઉપર પ્રતિબંધ છે. વધુમાં ઉમેર્યું કે, આવું કરનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના માટે ડીવાયએસપી, એસીપી,ડીસીપી,જેસીપી અને સીપી જેવા અધિકારીઓ જવાબદાર રહેશે.
સરકારી વકીલે હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, કોર્ટ આ અંગે હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર સ્વયં ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં લેશે. આગામી શુક્રવારે સરકાર દ્વારા લેવાયેલાં પગલાં અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારી વકીલની આ રજૂઆત ગ્રાહ્ય રાખીને વધુ સુનાવણી આગામી શુક્રવાર પર મુલતવી રાખી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ