

પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં માછલી પકડવા માટે અસામાજિક તત્વો દ્વારા બિછાવવામાં આવેલી મોટી ગેરકાયદે જાળ સ્થાનિક સેવાભાવી યુવાનોએ હટાવી હતી. જાળ બિછાવાઈ હોવાની જાણ થતાં જ યુવાનો તાત્કાલિક સરોવર ખાતે પહોંચ્યા હતા અને પોતાની પરવા કર્યા વિના પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ જાળ બહાર કાઢી હતી.
જાળમાં ફસાયેલા અનેક જળચર જીવોને યુવાનોએ સુરક્ષિત રીતે મુક્ત કરી નવજીવન આપ્યું હતું. યુવાનોની સમયસૂચકતા અને સાહસિક કામગીરીને કારણે અનેક નિર્દોષ જળચર જીવોનો જીવ બચી ગયો હતો. આ કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.
ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. તેમણે તંત્ર સમક્ષ સિદ્ધિ સરોવરની સુરક્ષા માટે નિયમિત પેટ્રોલિંગ કરવાની તેમજ જાહેર જળાશયમાં ગેરકાયદે જાળ નાખી માછીમારી કરનારા તત્વોની ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ