
ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગરની સરકારી નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે નેશનલ એઇડ્સ એન્ડ STD કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ‘Intensified IEC Campaign-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુવાનોમાં HIV/AIDS અંગે સચોટ માહિતી અને જાગૃતિ ફેલાવવા તેમજ સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ, કલંક અને ભેદભાવ દૂર કરવાના હેતુથી આ અભિયાન હાથ ધરાયું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે. એમ. સોલંકીએ યુવાનોને HIV/AIDS અંગે જરૂરી માર્ગદર્શન આપતાં જાગૃતિનો સંદેશ પરિવાર, મિત્રો અને સમાજના અન્ય લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે HIV/AIDS અંગેની સાચી માહિતી મેળવીને સમાજમાં જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો.
ડિસ્ટ્રિક્ટ ટીબી HIV ઓફિસર ડો. પી. વી. રેવરે HIV સાથે જીવતા લોકો પ્રત્યેનો ભેદભાવ અને કલંક ઘટાડવા માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ HIV/AIDS જાગૃતિના મહત્વ અંગે માર્ગદર્શન આપી અભિયાનમાં સક્રિય ભાગીદારી માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે HIV/AIDS જાગૃતિ અંગેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ BREAKFREE INDIA ડિજિટલ પ્લેટફોર્મ મારફતે HIV/AIDS અંગે Self Risk Assessment માટે QR કોડ સ્કેન કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમમાં સર ટી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૈરવી દેસાઈ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, વિવિધ આરોગ્ય સંસ્થાઓના તબીબો તથા DISHA/DAPCU, ICTC, DSRC, SSK અને SAMAGRA ભાવનગરની ટીમ ઉપસ્થિત રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA