જામનગરમાં સ્કુટરમાં બેંક મેનેજર પતિની પાછળ બેસી જતા મહિલાના ચેઈનની હેલ્મેટધારી શખ્સો જોંટ મારી ફરાર
જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં ચેન સ્નેચિંગની વધુ એક ઘટનાએ ચકચાર જગાવી છે. ગુરુદ્વારા રોડથી સાત રસ્તા તરફ જતા માર્ગ પર ટુ-વ્હીલર પર સવાર બે હેલ્મેટધારી શખ્સોએ બેંક મેનેજરની પત્નીના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી લીધો હતો અને બંને શખ્સો બાઇક
ફરિયાદ


જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં ચેન સ્નેચિંગની વધુ એક ઘટનાએ ચકચાર જગાવી છે. ગુરુદ્વારા રોડથી સાત રસ્તા તરફ જતા માર્ગ પર ટુ-વ્હીલર પર સવાર બે હેલ્મેટધારી શખ્સોએ બેંક મેનેજરની પત્નીના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી લીધો હતો અને બંને શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા સાથે ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કૃષ્ણનગર શેરી નં.2માં રહેતા સેન્ટ્રલ બેંકના મેનેજર કૌશલભાઈ તલાટી તા.12 ઓગસ્ટની રાત્રે પોતાની પત્ની પૂજાબેન અને બાળકી સાથે મોલમાં ખરીદી કરવા ગયા હતા. ખરીદી પૂર્ણ કરી પરિવાર ટુ-વ્હીલર પર ઘરે પરત ફરી રહ્યો હતો. તેઓ ગુરુદ્વારા રોડથી સાત રસ્તા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બાઇક પર સવાર બે અજાણ્યા હેલ્મેટધારી શખ્સો તેમની નજીક આવ્યા હતા.

બાઇકચાલકે કૌશલભાઈના ટુ-વ્હીલરની બાજુમાં બાઇક દોડાવી હતી અને પાછળ બેઠેલા શખ્સે પૂજાબેનના ગળામાં પહેરેલો સોનાનો ચેન અચાનક આંચકી લીધો હતો. ચેન ઝૂંટવાયા બાદ બંને શખ્સો પુરઝડપે બાઇક હંકારી ફરાર થઈ ગયા હતા. અચાનક બનેલી ઘટનાથી પૂજાબેન સહિત પરિવાર હેબતાઈ ગયો હતો અને દેકારો થતાં આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા અગાઉ અંબર સિનેમા રોડ પર સ્કૂટરચાલક આધેડને ધમકાવી બે શખ્સોએ રૂ.6 હજારની લૂંટ કરી હતી. આ ઘટનાના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યાં ચેન સ્નેચિંગની વધુ એક ઘટના સામે આવતા શહેરમાં રાત્રિના સમયે માર્ગો પર મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે ચેન સ્નેચરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande