

કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામની ધોરણ-૭માં અભ્યાસ કરતી બાળકી વિદ્યા મહેશ્વરી માટે શાળામાં કરવામાં આવેલી સામાન્ય આરોગ્ય તપાસ જીવન બદલનારી સાબિત થઈ છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલા 4-ડી સ્ક્રીનિંગ દરમિયાન વિદ્યામાં જન્મજાત હૃદયની ગંભીર ખામી હોવાની વહેલી તકે જાણ થતાં તેને સમયસર નિષ્ણાત સારવાર માટે મોકલવામાં આવી હતી. યોગ્ય માર્ગદર્શન, સરકારી આરોગ્ય યોજનાનો સહારો અને RBSK ટીમના સતત પ્રયાસોથી વિદ્યાનું સફળ હૃદય ઓપરેશન કરવામાં આવ્યું છે.
મુન્દ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકોના આરોગ્યની તપાસ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ RBSK ટીમ દ્વારા નિયમિત સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવે છે. આ જ કામગીરી દરમિયાન નાના કપાયાની શાળામાં વિદ્યાની તપાસ કરતાં તેના સ્વાસ્થ્યમાં ગંભીર સમસ્યાના સંકેતો જોવા મળ્યા હતા. વધુ તપાસ કરાવતા તેને Congenital Heart Disease એટલે કે જન્મજાત હૃદયની ખામી હોવાનું નિદાન થયું હતું.
બાળકીની સ્થિતિને ગંભીરતાથી લઈને RBSK ટીમે તાત્કાલિક જરૂરી તબીબી તપાસ અને નિષ્ણાત સારવાર માટે રિફરલ પ્રક્રિયા હાથ ધરી હતી. સાથે જ પરિવારને બાળકીની તબિયત અંગે યોગ્ય સમજ આપવામાં આવી અને સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ મળતા લાભોની માહિતી આપવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં પણ ટીમે પરિવારને સહયોગ આપ્યો હતો.
કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી, RCHO તથા મુન્દ્રાના તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડૉ. યોગી, ડૉ. અવની, FHW મનીષાબેન અને ફાર્માસિસ્ટ આકાંક્ષાબેન સહિતની RBSK ટીમે સમગ્ર સારવાર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આયુષ્માન કાર્ડના માધ્યમથી વિદ્યાને સારવારનો લાભ મળ્યો અને તેનું સફળ હૃદય ઓપરેશન કરવામાં આવ્યું.
ઓપરેશન બાદ પણ આરોગ્ય વિભાગની ટીમે જવાબદારી નિભાવી હતી. RBSK ટીમે વિદ્યાના ઘરે જઈ પોસ્ટ-ઓપરેટિવ મુલાકાત લઈને પરિવારને જરૂરી કાળજી અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. હાલમાં વિદ્યા સ્વસ્થ છે અને તેની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના દર્શાવે છે કે શાળા આરોગ્ય કાર્યક્રમ માત્ર બાળકોની સામાન્ય આરોગ્ય તપાસ પૂરતો મર્યાદિત નથી. સમયસરની તપાસથી છુપાયેલી ગંભીર બીમારીની ઓળખ થઈ શકે છે અને યોગ્ય સારવાર સુધી પહોંચાડીને બાળકનું જીવન બચાવી શકાય છે. નાના કપાયાની વિદ્યા માટે શાળામાં થયેલું એક સ્ક્રીનિંગ ખરેખર જીવનદાયી સાબિત થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar