
કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) રાપર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોના રહેણાક તથા આશ્રયસ્થાનોની તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા રાપર જી.ઈ.બી.ની ટીમને સાથે રાખીને વીજ કનેક્શન દૂર કરવાની તેમજ વીજદંડની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાપર પોલીસને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમોની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને મિલકત સંબંધિત, શરીર સંબંધિત તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોના રહેઠાણની તપાસ દરમિયાન જો ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું હતું.
આ અંતર્ગત રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સુખડધાર હનુમાન શેરી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શરીર સંબંધિત ગુનામાં આરોપી તરીકે નોંધાયેલા બસીર ઉંમરભાઈ કુંભારના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શનનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાપર પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખ્યું હતું.
તપાસ દરમિયાન વીજળીના ઉપયોગમાં લેવાયેલા સાધનોની વિગતો તૈયાર કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી ગણતરીના આધારે કુલ રૂ.1,07,928.45 નો વીજદંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બસીરઉંમરભાઈ કુંભાર ઉપરાંત ઈરફાન ઉંમર કુંભાર અને અયુબ ઉંમરભાઈ કુંભાર સામે કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
આ સમગ્ર કાર્યવાહી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પીએસઆઈ બી.એસ. ચૌધરી તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમોમાં કાયદાનો ભય ઉભો થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તેવો સંદેશો આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar