રાષ્ટ્રધ્વજની શાનમાં રાપર ગુંજી ઉઠ્યું, ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ
કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) રાપર શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સરકારી કર્મચારીઓ
રાપર તિરંગા યાત્રા


રાપર તિરંગા યાત્રા


રાપર તિરંગા યાત્રા


રાપર તિરંગા યાત્રા


રાપર તિરંગા યાત્રા


કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) રાપર શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સરકારી કર્મચારીઓ અને આગેવાનો યાત્રામાં જોડાતા શહેરમાં ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો.

રાપર પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી તિરંગા યાત્રાને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, પી.આઈ. આર.એલ. ખટાણા અને ચીફ ઓફિસર એ.બી. ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને ‘વંદે માતરમ’ તથા ‘ભારત માતા કી જય’ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

પોલીસ સ્ટેશનથી નીકળેલી યાત્રા માલી ચોક, બસ સ્ટેશન અને દેના બેન્ક ચોક જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઐતિહાસિક નગાસર તળાવ ખાતે પહોંચી હતી. માર્ગમાં નગરજનો દ્વારા પણ તિરંગા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીએ યાત્રાની ભવ્યતામાં વધારો કર્યો હતો.

નગાસર તળાવ ખાતે રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.

કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામત વસરા, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશ સોની સહિત રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં રાપરના નગરજનોએ જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વભૂમિકા રૂપે યોજાયેલી આ યાત્રાએ રાપરમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande