




કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે દેશભક્તિનો માહોલ સર્જવાના હેતુથી અંજાર તાલુકાના વરસામેડી ગામ ખાતે તાલુકાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત આ યાત્રામાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા જોડાયા હતા અને તેમણે તિરંગા યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરતાં વરસામેડી ગામ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો, ‘વંદે માતરમ્’ અને ભારત માતાના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનો ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો સહિત વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને નીકળેલા બાળકો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, ભારતને મળેલી આઝાદી અનેક વીર સપૂતોના સંઘર્ષ અને બલિદાનનું પરિણામ છે. દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર જાણીતા તેમજ અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવું આપણી જવાબદારી છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાનમાં સૌ નાગરિકોને જોડાઈને સ્વાતંત્ર્ય પર્વને ગૌરવભેર ઉજવવા અપીલ કરી હતી.
સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય દિન પૂર્વે યોજાયેલી આવી તિરંગા યાત્રાઓ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું કરી રહી છે. તિરંગો દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે. તેમણે સૌને ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
યાત્રામાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, અગ્રણીશ્રીઓ દેવજીભાઈ વરચંદ, હિતેશભાઈ ખંડોર, મિતરાજસિંહ જાડેજા, રૂપાભાઈ રબારી, કેશાભાઈ રબારી, સંદિપભાઈ ચાવડા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડા અને તાલુકા વિકાસ અધિકારી ભાવેશ પટેલ સહિતના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં સહભાગી બની તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. વરસામેડીમાં યોજાયેલી આ યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે સમગ્ર વિસ્તારમાં દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની નવી ઊર્જા ભરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar