જામનગર-રાજકોટ હાઈવે ઉપર જીવંત વીજ વાયર તૂટ્યો : વાહનચાલકોમાં અફરાતફરી
જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા નજીક ધ્રાંગડા ગામના પાટિયા પાસે 11 કેવીની વીજ લાઇનનો તાર અચાનક તૂટી રોડ પર પડતાં અફરાતફરી મચી ગઈ હતી. વીજ પ્રવાહ ચાલુ હોવા છતાં જીવંત વાયર રોડ પર પડ્યો હોવાથી વાહનચાલકોમાં ભય ફેલાયો
જામનગર-રાજકોટ હાઈવે પર વીજવાયર તૂટ્યો


જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા નજીક ધ્રાંગડા ગામના પાટિયા પાસે 11 કેવીની વીજ લાઇનનો તાર અચાનક તૂટી રોડ પર પડતાં અફરાતફરી મચી ગઈ હતી. વીજ પ્રવાહ ચાલુ હોવા છતાં જીવંત વાયર રોડ પર પડ્યો હોવાથી વાહનચાલકોમાં ભય ફેલાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રાંગડા ગામના પાટિયા પાસે ગઈકાલે બપોર પછી પીજીવીસીએલની 11 કેવીની વીજ લાઇનનો વાયર તૂટી પડ્યો હતો. જીવંત વીજ વાયર રોડ પર પડતાં વાહનોની અવરજવર જોખમી બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. જેના કારણે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને અટવાવાની ફરજ પડી હતી.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, જીવલેણ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં વીજ તંત્રના અધિકારીઓ આશરે એક કલાક સુધી સ્થળ પર પહોંચ્યા ન હતા. સ્થાનિકોએ સમયસર માર્ગ બંધ કરાવી વાહનવ્યવહાર અટકાવ્યો ન હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી.

ઘટનાને પગલે માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. વીજ તંત્ર દ્વારા આવી જોખમી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને રોડ પર તૂટેલા જીવંત વીજ તાર અંગે ઝડપી પ્રતિસાદ આપવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande