
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.): સુરત રેલવે પોલીસે પશ્ચિમ રેલવેની એસઓજી અને એલસીબી સાથે મળીને સંયુક્ત કાર્યવાહી દરમિયાન પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસના એસી કોચમાંથી મુસાફરી કરતી બે મહિલાઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર હાથ ધરાયેલી કાર્યવાહીમાં આશરે 29.965 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 15 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાઓ ઓડિશાના ગંજમ જિલ્લાના રહેવાસી છે અને તેઓ ટ્રોલી બેગ તથા બેકપેકમાં ગાંજો છુપાવીને સુરત લાવી રહી હતી. પૂછપરછ દરમિયાન તેમણે રૂ. 10 હજારના વળતરની લાલચમાં આ કન્સાઇનમેન્ટ પહોંચાડવાનું કામ સ્વીકાર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઓડિશાના જંગલ વિસ્તારોમાં ગેરકાયદે ગાંજાની ખેતી બાદ આવા નેટવર્ક મારફતે દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે.
આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ ગાંજો મોકલનાર અને સુરતમાં તેનો જથ્થો સ્વીકારનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આરોપીઓ અગાઉ કેટલાંક વખત આવી રીતે માદક પદાર્થોની હેરાફેરીમાં સામેલ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે