
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 ઓગસ્ટે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ખેરાલુ ખાતે કરવામાં આવશે. ખેરાલુની ધી કે.એન.એસ.બી.એલ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાનારા મુખ્ય સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીના હસ્તે સવારે 9 વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે.
મંત્રીશ્રીના આગમન બાદ પોલીસ બેન્ડની સૂરાવલીઓ વચ્ચે ધ્વજારોહણ કરાશે અને ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપવામાં આવશે. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી પ્રજાજોગ ઉદબોધન કરશે અને દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે.
સમારોહ દરમિયાન જિલ્લામાં ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ તથા નાગરિકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વિકાસકામો માટે જિલ્લા કલેક્ટરશ્રીને મંત્રીશ્રીના હસ્તે રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવશે.
મુખ્ય સમારોહ બાદ વિવિધ શાળાઓ અને સંસ્થાઓ દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR