
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મરતોલી ગામે આવેલું શ્રી ચેહર માતાજી ધામ વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં માતાજીના પ્રાચીન સ્થાનક સાથે 900 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ આજે પણ અડીખમ ઊભું છે. આ વૃક્ષ નીચે માતાજીના પગલાંનું નાનું મંદિર આવેલું છે, જ્યાં ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મંદિર સાથે જોડાયેલી લોકમાન્યતા મુજબ, સિંધ પ્રદેશના હાલડી વિસ્તારમાં શેખાવતસિંહ રાઠોડના ઘરે વસંત પંચમીના દિવસે મા ચેહરભવાની કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં દીકરી સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયાં હતાં. ત્યારબાદ માતાજી કાંકરેજના નગર તેરવાડા, પાટણ થઈ મરતોલી પહોંચ્યાં હોવાનું માનવામાં આવે છે.
સ્થાનિક માન્યતા મુજબ મરતોલીમાં રબારી સમાજને પરચો આપ્યા બાદ માતાજી વરખડી નીચે ફૂલનો દડો બની અંતર્ધ્યાન થયાં હતાં. આજે પણ અહીં માતાજીના પગલાં પૂજાય છે.
1996માં રામનવમી દરમિયાન યોજાયેલા સપ્તચંડી યજ્ઞ સાથે જોડાયેલો પ્રસાદનો પ્રસંગ પણ ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કારણ છે. માન્યતા મુજબ હજારો ભક્તોને પ્રસાદ પીરસ્યા બાદ પણ લાડુ ખૂટ્યા નહોતા. આ પ્રસંગની યાદમાં પાંચ લાડુ અને ચૂંદડી આજે પણ સાચવી રાખવામાં આવ્યા હોવાનું મંદિર સાથે જોડાયેલા લોકો જણાવે છે.
મંદિરમાં ધર્મશાળા અને ભોજનશાળા પણ છે. 2009થી અહીં દરરોજ બપોરે 11થી 2 અને સાંજે 7થી 9 વાગ્યા સુધી વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવે છે. મહેસાણાથી આશરે 21 કિલોમીટર દૂર આવેલું આ ધામ આજે આસ્થા સાથે સેવા અને પરંપરાનું પણ કેન્દ્ર બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR