
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની વિરસોડા શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. શાળામાં તૈયાર રમત મેદાનની સુવિધા ન હોવા છતાં ખેડૂતોના સહયોગથી બે ખેતરોમાં માટીનું લેવલિંગ કરાવી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી હતી. 2023થી 2026 દરમિયાન વિદ્યાર્થીઓએ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં કુલ 138 ચંદ્રક જીત્યા છે, જેમાં 56 સુવર્ણ, 40 રજત અને 42 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.
આચાર્ય હસમુખભાઈ ચૌધરી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક અને વિઘ્ન દોડ સહિતની વિવિધ રમતોની નિયમિત પ્રેક્ટિસ કરે છે. રમતગમતની સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પણ આગળ વધી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 32 વિદ્યાર્થીઓ CET અને 22 વિદ્યાર્થીઓ જ્ઞાનસાધના પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવી ચૂક્યા છે.
આ સફળતા પાછળ ભૂતપૂર્વ આચાર્ય રમેશભાઈ પી. પટેલનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શાળાના નવા મકાનના બાંધકામ સહિત રમતગમત ક્ષેત્રે શરૂઆતના પ્રયાસો તેમણે કર્યા હતા. તેમણે પ્રથમ બે દીકરીઓને સ્પોર્ટ્સ સ્કૂલમાં મોકલવાની પહેલ પણ કરી હતી. તેમના દ્વારા શરૂ કરાયેલા આ પ્રયાસોને હાલના આચાર્ય હસમુખભાઈ ચૌધરી અને શિક્ષકો આગળ ધપાવી રહ્યા છે. ખેતરમાં શરૂ થયેલી પ્રેક્ટિસ હવે વિદ્યાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડતી સફળતાની દોડ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR