
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મગફળીના ઉભા પાકમાં જોવા મળતા રોગોના નિયંત્રણ માટે ખેડૂતોને તકેદારી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખાસ કરીને થડનો કોહવારો, ડોડવાનો સડો, સફેદ ફૂગ, પાનના ટપકા અને ગેરૂ જેવા રોગોથી પાકને બચાવવા સંકલિત રોગ વ્યવસ્થાપન અપનાવવા અપીલ કરાઈ છે.
ખેતરમાં રોગિષ્ટ છોડ જોવા મળે તો તેને તાત્કાલિક ઉપાડી બહાર કાઢી તે જગ્યાએ માટી નાખી દબાવી દેવાની સલાહ આપવામાં આવી છે. વાવેતરના એક મહિના બાદ ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારિત 2.5 કિલો પાવડરને તેટલી જ માત્રામાં રેતી સાથે ભેળવી થડ પાસે આપવાથી રોગ નિયંત્રણમાં મદદ મળી શકે છે.
સફેદ ફૂગનો ફેલાવો અટકાવવા ખેતરમાં વધુ પડતી આંતરખેડ, સમાર અને પાળા ચઢાવવાનું ટાળવા જણાવાયું છે. પાનના ટપકા અને ગેરૂ રોગ માટે પાક 30થી 35 દિવસનો થાય ત્યારથી ભલામણ કરાયેલા ફૂગનાશકનો 12થી 15 દિવસના અંતરે 2થી 3 વખત છંટકાવ કરવાની સલાહ અપાઈ છે.
ખેડૂતોને દવાનો ઉપયોગ કરતા પહેલાં લેબલ પર દર્શાવેલ ડોઝ અને સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. વધુ માર્ગદર્શન માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR