
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.)
સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં ફુદેડા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, વાલીઓ, સામાજિક કાર્યકરો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘જય હિંદ’ના નારા લગાવવામાં આવ્યા હતા. દેશભક્તિના નાદથી સમગ્ર ગામનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું કે તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ શહીદોના બલિદાન, સૈનિકોના પરાક્રમ અને દેશની એકતા તથા સ્વાભિમાનનું પ્રતિક છે. તેમણે જણાવ્યું હતું કે દેશપ્રેમ માત્ર રાષ્ટ્રીય પર્વ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ નાગરિકો પ્રામાણિકતા, ફરજ પ્રત્યેની નિષ્ઠા, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સમાજસેવા દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે તે જરૂરી છે.
તેમણે યુવા પેઢીને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ રાખી દેશની એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા અપીલ કરી હતી. ફુદેડાની તિરંગા યાત્રાએ ગામમાં દેશભક્તિ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR