
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણ અને દબાણના મુદ્દે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાગબારા તાલુકાના લોકો દ્વારા ઉમરપાડાની જંગલ જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આશરે 2 હજાર આદિવાસીઓ એકત્ર થયા હતા. ‘જંગલ બચાવો, આદિવાસી બચાવો’ના નારા સાથે વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી.
રેલી ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં આદિવાસી આગેવાનોએ રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર મામલતદારને સુપરત કરી જંગલ જમીન પર થઈ રહેલા કથિત દબાણ અને ગેરકાયદેસર ખેડાણ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ઉમરપાડાના આદિવાસી મહિલા આગેવાન અને ખોટારામપુરાના સરપંચ ચંદનબેન વસાવાએ આક્ષેપ કર્યો હતો કે સાગબારા વિસ્તારના કેટલાક લોકો પોતાના વિસ્તારમાં જમીન ધરાવતા હોવા છતાં ઉમરપાડાની જંગલ જમીન પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સ્થાનિકોને ધમકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્થાનિક વિસ્થાપિતોના હકો હજુ બાકી છે, ત્યારે ઉમરપાડાના આદિવાસીઓ પોતાની જમીનનો એક ઇંચ પણ નહીં આપે.
તાલુકા આદિવાસી આગેવાન અને વડગામના સરપંચ જીવણભાઈ વસાવાએ આક્ષેપ કર્યો કે સાગબારાના લોકો ખોટા પુરાવા ઊભા કરી સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ સાગબારાના આશરે 12 ગામોના લોકો ઉમરપાડાની જમીન પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આદિવાસી આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં અટકે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી ઉગ્ર ધરણાં-પ્રદર્શન કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે