
ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ગામે આવેલ શ્રી શિવકુંજ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ આરાધનાનો ઉત્સાહભેર મંગળ પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે યોજાયેલા યજ્ઞ પ્રારંભ પ્રસંગે અગિયાળીના શ્રી રામભારતી બાપુની ઉપસ્થિતિ રહી હતી.
શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં આશ્રમ ખાતે શિવપૂજા અને વંદના સાથે ધર્મ તથા સંસ્કૃતિને પ્રેરણા આપતી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ આરાધનાના પ્રારંભ સાથે વૃક્ષારોપણ અને રોપ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે પ્રથમ રોપ શ્રી દેવશીભાઈ ચાવડાને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ શ્રી ગુરુ આશ્રમ બગદાણાના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.
શ્રાવણ માસ દરમિયાન આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ શ્રી ગણેશ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ શ્રી વિષ્ણુ યજ્ઞ, શ્રી નવચંડી યજ્ઞ, શ્રી ભૈરવ યજ્ઞ તેમજ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ધાર્મિક વિધિ દરમિયાન શ્રી અનંતભાઈ ઠાકર સહિત ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને પૂજનવિધિ કરવામાં આવી રહી છે. આશ્રમ પરિવાર તથા શ્રદ્ધાળુઓ પણ આ ધાર્મિક આયોજનમાં જોડાઈ રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન યોજાનારી યજ્ઞ આરાધનાથી જાળિયા ગામ અને આસપાસના વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA