સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડ્રેગન ફ્રુટ (કમલમ) ખેતીને પ્રોત્સાહન: 104 ખેડૂતો માટે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ
- શિબિરમાં ઉપસ્થિત ખેડૂતોને ડ્રેગન ફ્રુટની ખેતી અંગેના વિવિધ પ્રશ્નો અંગે નિષ્ણાતો પાસેથી સંતોષકારક જવાબો મેળવી મૂંઝવણોનું નિરાકરણ કરાયું રાજપીપલા,14 ઓગસ્ટ (હિ.સ.) સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથ
Promoting dragon fruit (lotus) cultivation in the Statue of Unity area


- શિબિરમાં ઉપસ્થિત ખેડૂતોને ડ્રેગન ફ્રુટની ખેતી અંગેના વિવિધ પ્રશ્નો અંગે નિષ્ણાતો પાસેથી સંતોષકારક જવાબો મેળવી મૂંઝવણોનું નિરાકરણ કરાયું

રાજપીપલા,14 ઓગસ્ટ (હિ.સ.) સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા નાયબ બાગાયત નિયામકની કચેરી, નર્મદાના સંયુક્ત ઉપક્રમે ડ્રેગન ફ્રુટ (કમલમ) ફળપાકની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગોરા ગામના સાર્વજનિક હોલ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના કુલ 104 ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

શિબિરનો મુખ્ય હેતુ ખેડૂતોને પરંપરાગત ખેતી સાથે બાગાયતી પાકો તરફ પ્રેરિત કરવાનો તેમજ કમલમ ફળની આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન નાયબ બાગાયત નિયામક શ્રી એન.વી.પટેલ દ્વારા ડ્રેગન ફ્રુટના વાવેતર, ખાતર અને પિયત વ્યવસ્થાપન, પોલ અને રિંગ સ્ટ્રક્ચરની ગોઠવણી, રોગ-જીવાત નિયંત્રણ તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

બાગાયત અધિકારી એ.એન.ગાંવિત (તા.ક.ગરુડેશ્વર) દ્વારા સરકારની વિવિધ બાગાયતી સહાય અને સબસિડી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે પરિક્ષેત્ર વન અધિકારી જે.કે.કાકડીયાએ ખેડૂતોને ગુજરાત સરકારની બાગાયત અને ખેતીલક્ષી વિવિધ સહાય યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત મદદનીશ બાગાયત નિયામક એન.એન.ચૌધરીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો વિશે માર્ગદર્શન આપ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત હસમુખ વસાવા (ગામ-બામણફળિયા, તા. નાંદોદ) એ પોતાના અનુભવો શેર કરતાં પ્રાકૃતિક અને ઝીરો બજેટ ખેતી દ્વારા આવકમાં વધારો કેવી રીતે શક્ય બન્યો તે અંગે પ્રેરણાદાયી માહિતી આપી હતી.

તાલીમ કાર્યક્રમના અંતે ખેડૂતોને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા કમલમ પાર્ક અને એકતા નર્સરીની સ્થળ મુલાકાત કરાવી પ્રત્યક્ષ (પ્રેક્ટિકલ) તાલીમ પણ આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને કમલમ ફળની ખેતીની આધુનિક પદ્ધતિઓ અને તેના સફળ મોડેલનું નિરીક્ષણ કરવાની તક મળી હતી.

શિબિરમાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા ડ્રેગન ફ્રુટની ખેતી અંગેના વિવિધ પ્રશ્નોના નિષ્ણાતો પાસેથી સંતોષકારક જવાબો મેળવી પોતાની મૂંઝવણોનું નિરાકરણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande