
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.): સુરત સાયબર ક્રાઈમ સેલે લાંબા સમયથી ફરાર રહેલા નિતીન ઉર્ફે કાનો વડચકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ તે રોકાણના નામે થયેલી લાખોની ઓનલાઈન છેતરપિંડી અને કરોડો રૂપિયાના ડાયમંડ ફ્રોડ કેસમાં સંડોવાયેલો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી બેંક એકાઉન્ટ્સનો દુરુપયોગ કરાવી સાયબર ગેંગને મદદ કરતો હતો અને ગુના બાદ દુબઈ ભાગી ગયો હતો.
પોલીસને મળેલી ગુપ્ત માહિતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે જાણવા મળ્યું કે આરોપી દુબઈથી નેપાળ પહોંચ્યો હતો અને ત્યાંથી જમીન માર્ગે દિલ્હી તથા અમદાવાદ થઈ સુરત આવી રહ્યો હતો. શહેરમાં પ્રવેશતા જ પોલીસે તેને ઝડપી લીધો. તપાસમાં ખુલ્યું કે નિતીને પહેલા ચાની લારી ચલાવી હતી, પરંતુ બાદમાં દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની આડમાં આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્ક સાથે જોડાઈ ગયો હતો.
આરોપી પર મની મ્યુલ એકાઉન્ટ્સ તૈયાર કરાવવા, ટેલિગ્રામ મારફતે વિદેશી ગેંગ સુધી બેંક કીટ પહોંચાડવા તેમજ કરોડોના હીરાની છેતરપિંડીમાં સામેલ હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર આવા એકાઉન્ટ્સમાં રૂ.31 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે અને દેશભરમાં અનેક ફરિયાદો નોંધાઈ છે. હાલ બંને કેસમાં આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે