દારૂના નશામાં બિલ્ડરનું 2 રાઉન્ડ ફાયરિંગ, CCTVમાં કેદ થઈ કરતૂત
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)-લસકાણા વિસ્તારમાં ચા-પાનના ગલ્લા પર દારૂના નશામાં આવેલા એક બિલ્ડરે રોફ જમાવવા પોતાની રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. લસકાણા પોલીસે આરોપી બિલ્ડરની ધરપકડ કરી તેની
પોલીસે આરોપી બિલ્ડરની ધરપકડ કરી


સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)-લસકાણા વિસ્તારમાં ચા-પાનના ગલ્લા પર દારૂના નશામાં આવેલા એક બિલ્ડરે રોફ જમાવવા પોતાની રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. લસકાણા પોલીસે આરોપી બિલ્ડરની ધરપકડ કરી તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર અને બે ખાલી કારતૂસ કબજે કર્યા છે.

મજાક કરવાની ના પાડતા રોષે ભરાયો

મોટા વરાછામાં રહેતા કેવલભાઈ પ્રવીણભાઈ માંગુકિયા (28) વાલક પાટિયા આઉટર રિંગ રોડ પર ‘મોગલ ટી એન્ડ પાન’ નામનો ગલ્લો ચલાવે છે. ઘટના સમયે તેઓ વહેલી સવારે આશરે 2:30 વાગ્યે પોતાના મિત્રો સાથે ગલ્લા પર બેઠા હતા.

આ દરમિયાન મૂળ રાજકોટના મવડી અને હાલ સરથાણામાં રહેતો બિલ્ડર આશિષ સાકરીયા પોતાની આઈ-20 કાર લઈને ગલ્લા પર આવ્યો હતો. તેણે પાણીની બોટલ લીધા બાદ કેવલભાઈ સાથે બિનજરૂરી મજાક-મસ્તી શરૂ કરી હતી. કેવલભાઈએ મજાક કરવાની ના પાડતા આશિષ ત્યાંથી જતો રહ્યો હતો.

થોડીવાર બાદ આશિષ કથિત રીતે દારૂના નશામાં રિવોલ્વર લઈને ગલ્લા પર પરત આવ્યો હતો અને ત્યાં બેઠેલા યુવકોને રિવોલ્વર બતાવી રોફ જમાવવા લાગ્યો હતો.

ગલ્લામાં ફાયરિંગનો પ્રયાસ, બાદમાં હવામાં બે રાઉન્ડ

આરોપીએ ગલ્લાની અંદર જમીન તરફ રિવોલ્વરથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મિસફાયર થતાં ગોળી છૂટી નહોતી. ફાયરિંગનો અવાજ સાંભળીને ગલ્લા પર બેઠેલા યુવકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા.

ત્યારબાદ આરોપીએ ગલ્લાની બહાર આવી જાહેરમાં દહેશત ફેલાવવાના ઈરાદે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ તે પોતાની કાર લઈને એકલારા સર્કલ તરફ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની CCTVમાં રેકોર્ડિંગ થઈ ગઈ હતી.

પોલીસે બિલ્ડરને ઝડપી પાડ્યો

જાહેરમાં ફાયરિંગની ઘટના અંગે લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી આરોપી આશિષ સાકરીયાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી એક રિવોલ્વર અને બે ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande