
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ડિંડોલી વિસ્તારમાં શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી ભોજપુરી ગીતો પર કરવામાં આવેલા ડાન્સને લઈને વિવાદ સર્જાયો હતો. ભક્તિપૂર્ણ માહોલ વચ્ચે અચાનક શરૂ થયેલા આ કાર્યક્રમથી હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો અને લોકોએ તરત જ વિરોધ નોંધાવ્યો.
ડીંડોલી વિસ્તારમાં ઉત્તર ભારતીય સમાજની મોટી વસતી હોવાથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્થાનિકોનું કહેવું હતું કે પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક મંચ પરથી આવા પ્રકારનું પ્રદર્શન યોગ્ય નથી અને તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
વિવાદ વધતા આયોજકોએ કાર્યક્રમ તાત્કાલિક બંધ કર્યો અને પોતાની ભૂલ સ્વીકારી જાહેરમાં હાથ જોડીને માફી માંગી. ઘટના બાદ વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમોની મર્યાદા અને આયોજન અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે