





પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)વર્ષોની
ગુલામીની ઝંઝીરો માંથી મળેલી મોંઘેરી આઝાદીની સ્મૃતિને પુનઃજીવંત કરતાં 'હર ઘર તિરંગા અભિયાન'-2026 અંતર્ગત આજે પોરબંદર ખાતે
દેશભક્તિના રંગો વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર
જિલ્લા વહીવટી તંત્ર અને પોરબંદર મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.પોરબંદરના
દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ, એમ.જી. રોડ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રા હાર્મની સર્કલ થઈ કીર્તિ મંદિર નજીક આવેલા નટવર
ચોક સુધી પહોંચી હતી. યાત્રાના સમગ્ર માર્ગ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.તિરંગા
યાત્રામાં વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, એનસીસીના કેડેટ્સ, પોલીસ વિભાગ, કોસ્ટગાર્ડ સહિતના દળોના જવાનો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી
સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના
પ્રતિનિધિઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તિરંગા
યાત્રા દરમિયાન બાળકો તેમજ યુવાનો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરીને દેશની વિવિધતા
અને સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથાને જીવંત કરવામાં આવી હતી. બાળકોએ અને યુવાનોએ
સ્થાનિક પરંપરાગત પહેરવેશ ઉપરાંત પૂજય મહાત્મા ગાંધીજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિતના
મહાનુભાવોના વેશ ધારણ કર્યા હતા. સાથે જ સ્વાતંત્ર્ય સંગ્રામના વિવિધ લડવૈયાઓ અને
ક્રાંતિકારીઓને પ્રતિબિંબિત કરતી વેશભૂષામાં પણ સહભાગીઓ જોવા મળ્યા હતા. આ
વેશભૂષાઓ તિરંગા યાત્રામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સ્વાતંત્ર્ય
સંગ્રામના ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો.
તિરંગા
યાત્રા જે-જે માર્ગ પરથી પસાર થઈ હતી, ત્યાં સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને રહેવાસીઓ દ્વારા પણ
ઉત્સાહપૂર્વક યાત્રાનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. વેપારીઓ અને
સ્થાનિકોએ પોતાના દુકાનો તથા મકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગા યાત્રામાં
જોડાયેલા સહભાગીઓનું અભિવાદન કર્યું હતું. સમગ્ર માર્ગ પર તિરંગાની લહેર અને
દેશભક્તિના નારાઓ સાથે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવના જોવા
મળી હતી. આ રીતે તિરંગા યાત્રા માત્ર સહભાગીઓ પૂરતી સીમિત ન રહેતાં શહેરના વેપારીઓ, દુકાનદારો અને સ્થાનિક નાગરિકોની પણ
વ્યાપક જનભાગીદારીનું પ્રતીક બની હતી.
યાત્રા
દરમિયાન દેશભક્તિસભર ગીતો અને ડીજેના સંગીતથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું
હતું. 'ભારત
માતા કી જય', વંદે
માતરમ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો. યુવાનો અને
નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લેવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ માટે ખાસ
સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા હતા. તેમજ હાર્મની સર્કલ ખાતે તિરંગા
યાત્રામાં તમામ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમ્ નું સમૂહગાન કરવામાં
આવ્યું હતું.
'હર
ઘર તિરંગા અભિયાન'નો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને સન્માનની
ભાવના વધુ પ્રબળ બનાવવાનો તેમજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જનભાગીદારી વધારવાનો
છે. પોરબંદરમાં યોજાયેલી આ તિરંગા યાત્રા દ્વારા પણ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ
આપવામાં આવ્યો હતો.આ
પ્રસંગે મહાનુભાવોએ નટવરચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી
શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના આદર્શોને સ્મરણ
કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તિરંગા
યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, પોરબંદર મનપા મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.
ચૌધરી, મનપા
કમિશનર ટી.સી. તીથરાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિક્રમ ઓડેદરા,જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન
તિવારી, મહામંત્રી
સર્વ પ્રવીણ ખોરવા, પ્રવીણ ઓડેદરા,શહેર પ્રમુખ લકીરાજસિંહ વાળા, જિલા અને તાલુકા પંચાયત સદસ્યો,કોર્પોરેટરઓ, ભાજપ સંગઠનના હોદેદારો,કાર્યકર્તાઓ સહિત વિદ્યાર્થીઓ અને
બહોળી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya