

પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનને વેગ આપવા
તેમજ ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે
અનોખી કલાત્મક રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના સ્થાનિક રેતશિલ્પ કલાકાર
પરિમલભાઈ મકવાણા દ્વારા ચોપાટી ખાતે ભવ્ય અને આકર્ષક રેતશિલ્પનું સર્જન કરવામાં
આવ્યું છે.આ
રેતશિલ્પમાં ભારતની વિવિધતામાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને
સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. રેતી પર કલાત્મક કોતરણી દ્વારા ભારતનો નકશો, દેશના પ્રખ્યાત સ્થાપત્યો,
તિરંગો, ‘હર ઘર તિરંગા’નો સંદેશ તેમજ ‘વંદે
માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
સ્થાનિક
કલાકાર પરિમલભાઈ મકવાણા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ રેતશિલ્પ દેશભક્તિ અને
રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપી રહ્યું છે. સાથે જ નાગરિકોને પોતાના ઘરો પર તિરંગો
ફરકાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે પ્રેરિત કરવામાં આવી
રહ્યા છે.ચોપાટી
ખાતે તૈયાર કરવામાં આવેલું આ ભવ્ય રેતશિલ્પ પોરબંદરવાસીઓ તેમજ ચોપાટીની મુલાકાતે
આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને કલાકારના સર્જનાત્મક પ્રયાસને
સૌ તરફથી પ્રશંસા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya