
જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા, નગરના શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તારમાં તાજેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તાર નજીક આવેલ સીતારામ ઇલેક્ટ્રોપ્લેટર્સ દ્વારા ઔદ્યોગિક ગંદુ પાણી બહાર છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
બોર્ડની ટીમ દ્વારા સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી કાર્યવાહી માટેનો અહેવાલ બોર્ડની વડી કચેરી, ગાંધીનગર ખાતે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડી કચેરીના નિર્દેશ મુજબ સંબંધિત એકમ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન શંકર ટેકરી ઔદ્યોગિક વસાહતમાં બોર્ડની વડી કચેરી દ્વારા અગાઉ બંધ કરવાનો હુકમ કરવામાં આવેલા ચાર ઔદ્યોગિક એકમોની પણ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મેસર્સ તકદીર ઇલેક્ટ્રોપ્લેટર્સ, મેસર્સ વી.આર.પ્રોડક્ટસ, મેસર્સ શ્રીનાથજી ઇલેક્ટ્રોપ્લેટર્સ અને મેસર્સ જય અલખધણીનો સમાવેશ થાય છે.
બોર્ડની ટીમે આ ચારેય એકમો બંધ હોવાની સ્થિતિની તપાસ કરી હતી તેમજ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને સંબંધિત એકમોનો વીજ પુરવઠો બંધ કરવા માટે જાણ કરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનાર ઔદ્યોગિક એકમો સામે, આગામી દિવસોમાં પણ તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt