જામનગર ડેન્ટલ કોલેજના કૌભાંડની તપાસ માટે આખરે તપાસ કમિટીની રચના થઈ
જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) જામનગરની સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી ડીનની સહીઓ ધરાવતા 15 ચેકો મારફતે આશરે રૂ.1.36 કરોડની રકમ ઉપાડી ક્લાર્કે પોતાના ખાતામાં મેળવી અન્યત્ર ટ્રાન્સફર કરી નાખવાના ચકચારી પ્રકરણમાં હવે રાજ્ય સરકારના
ફ્રોડ


જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) જામનગરની સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી ડીનની સહીઓ ધરાવતા 15 ચેકો મારફતે આશરે રૂ.1.36 કરોડની રકમ ઉપાડી ક્લાર્કે પોતાના ખાતામાં મેળવી અન્યત્ર ટ્રાન્સફર કરી નાખવાના ચકચારી પ્રકરણમાં હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તપાસ સમિતિની રચના કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ પ્રકરણમાં આરોપીની જામીન અરજી ફગાવતા જામનગરની સેશન્સ અદાલતે ડેન્ટલ કોલેજના ડીન ડો. નયનાબેન પટેલ અંગે કેટલાક શંકાસ્પદ મુદ્દાઓ ટાંક્યા હતા. ઉપરાંત, ડીનને રક્ષણ આપવા જેવું તપાસ વલણ રાખ્યાની નોંધ કરી ત્રણ પોલીસ અધિકારીઓ સામે પણ ગંભીર ટિપ્પણી કરી હતી.

સેશન્સ કોર્ટે પોતાના અલગ હુકમમાં રાજ્યના આરોગ્ય વિભાગના સચિવને ડેન્ટલ કોલેજના ડીન અંગેની નોંધ તથા રાજ્યના ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરીને ત્રણ પીએસઆઈ એસ.જી. કેશવાલા, આર.કે. ખલીફા અને આર.બી. ઠાકોર અંગેની નોંધ મોકલવા સૂચના આપી હતી. કોર્ટના આદેશ અનુસાર ડીજીપી કચેરી મારફતે રાજ્યના આરોગ્ય અને ગૃહ વિભાગના સચિવોને હુકમની નકલ મોકલવામાં આવી છે.

જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી દ્વારા બંને વિભાગોને અદાલતના હુકમની નકલ પહોંચાડવામાં આવ્યા બાદ હવે આરોગ્ય વિભાગની તપાસ સમિતિ દ્વારા ડેન્ટલ કોલેજના ડીનનો જવાબ લેવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ ગૃહ વિભાગ દ્વારા ત્રણેય પીએસઆઈની ભૂમિકા અંગે જવાબ લેવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકરણની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે આરોપી ક્લાર્કના કબૂલાતના વીડિયો રેકોડગ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. ઉપરાંત, અન્ય એક આરોપી સુરતથી ઝડપાયો હોવાની વિગતો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

જોકે, પોલીસ અને સરકાર પક્ષ તરફથી કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે હાલના તબક્કે ડેન્ટલ કોલેજના ડીનની સીધી ભૂમિકા સામે આવી નથી અને સમગ્ર પ્રકરણની તપાસ હજુ ચાલુ છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રચાયેલી તપાસ સમિતિની કાર્યવાહી અને તેના અહેવાલ ઉપર સમગ્ર મામલાની આગળની દિશા નક્કી થશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande