



કાર્યક્રમ રાષ્ટ્રભક્તિ, એકતા અને ઉત્સાહભેર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો
કાર્યક્રમમાં દેશભક્તિ ગીત પર બાળાઓએ સુંદર પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું
ભરૂચ 15 ઓગસ્ટ (હિ.સ.)
અંકલેશ્વર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અને ફ્લાવર બંગલોના સંયુક્ત આયોજન હેઠળ 15 મી ઓગસ્ટના રોજ 80 મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના હોદ્દેદારો, ઉદ્યોગકારો તેમજ સ્થાનિક સોસાયટીના સભ્યો અને નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને વંદન કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં દેશભક્તિ ગીત પર સુંદર પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બની હતી.
આ પ્રસંગે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં ઉદ્યોગ જગતની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ આત્મનિર્ભર, સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભરૂચ વિભાગ સંઘચાલક ડૉ. બલદેવ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લા પ્રમુખ રમેશ ચોડવડિયા, અંકલેશ્વર નોટિફાઇડ ચેરમેન પ્રમોદ પટેલ, અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને કર્ણાવતી સંભાગના ઉપપ્રમુખ વાલમજી દેસાઈ, લઘુ ઉદ્યોગ ભારતી પ્રદેશ સહમંત્રી કમલેશ ગામી, તેમજ ફ્લાવર બંગલો સોસાયટી પ્રમુખ કલ્પેશ વસાણી અને દિલીપ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રભક્તિ, એકતા અને ઉત્સાહભેર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ