
સુરત, 15 ઓગસ્ટ (હિ.સ.) સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં મોડીરાત્રે મજૂરોને લઈ જતી એક બોલેરો પિકઅપ અચાનક પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાહનમાં ક્ષમતા કરતાં વધુ, અંદાજે 15થી 20 શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાથી તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં પિકઅપ રસ્તા પર પલટી ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ મદદે પહોંચ્યા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. ઘટનામાં કેટલાક લોકોને હાથ, માથા અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઘટના સમયે વાહનમાં હાજર એક મહિલા શ્રમિકે જણાવ્યું કે તે દિવસે નિયમિત ડ્રાઇવરની જગ્યાએ અન્ય વ્યક્તિ વાહન ચલાવી રહ્યો હતો અને અકસ્માત પહેલાં બે વખત વાહનને ઝટકા લાગ્યા હતા. અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પલસાણા પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે ગુનો નોંધી ફરાર ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે