
સુરત, 15 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ઘોડદોડ રોડ સ્થિત વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળ્યા હતા, જેના કારણે કોમ્પ્લેક્સમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો અને તેઓ સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ઝડપથી કામગીરી હાથ ધરી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી અને ટૂંકા સમયમાં સંપૂર્ણ કાબૂમાં લઈ લીધી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગના કારણે દુકાનમાં સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી જતા વેપારીઓ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે