
સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.) ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનને સ્મરણમાં રાખી આજે સાંજે ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાર્ડન થી મણિબહેન કોટક સ્કૂલ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી.સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન આઝાદીના સુવર્ણકાળે સર્જાયેલી વિસ્થાપનની વિભીષિકાનું સ્મરણ કરવા આ રેલી યોજાઈ હતી.
આ કરુણાંતિકાને ધ્યાનમાં રાખી ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાર્ડન ખાતે આ વિભીષિકાને લગતી ડોક્યુમેન્ટ્રીનું જીવંત પ્રસારણ કરાયું હતું. ઉપસ્થિત સૌ નાગરિકોએ આ હતભાગી નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું.આ કેન્ડલ માર્ચ ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાર્ડન થી પ્રસ્થાન કરીને મણિબહેન કોટક સ્કૂલે સંપન્ન થઈ હતી.
આ રેલીનો હેતુ વિભાજન દરમિયાન પોતાના ઘર-વતનથી વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોના સંઘર્ષ, ધૈર્ય અને બલિદાનને નમન કરવા તેમજ નવી પેઢીને આ ઐતિહાસિક કરુણ ઘટનાથી પરિચિત કરાવવાનો હતો.સૌ મહાનુભાવોએ મણિબહેન કોટક સ્કૂલ ખાતે આ વિભીષિકા અંગે આયોજીત તસવીરી પ્રદર્શનને નિહાળ્યું હતું.
આ સ્મૃતિ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, ધારાસભ્ય ભગવાન બારડ, નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, અગ્રણી ઝવેરી ઠકરાર, ડૉ.સંજય પરમાર, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહી વિભાજનની કરુણ યાદોને સ્મરી શાંતિ, એકતા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાના સંકલ્પમાં સહભાગી થયાં હતાં
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ