વેરાવળ ખાતે સ્વતંત્રતા પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ધ્વજવંદન થયું
ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.) દેશભરમાં ૮૦માં સ્વતંત્રતા પર્વની થઈ રહેલી ઉજવણી સાથે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદારસિંહ રાણા (કે.સી.સી) મેદ
વેરાવળ ખાતે સ્વતંત્રતા પર્વની આન, બાન, શાન સાથે


ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)

દેશભરમાં ૮૦માં સ્વતંત્રતા પર્વની થઈ રહેલી ઉજવણી સાથે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

સરદારસિંહ રાણા (કે.સી.સી) મેદાનમાં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી સાથે કલેક્ટરશ્રીએ આન, બાન, શાન સાથે તિરંગાને સલામી આપી અને ધ્વજવંદન કર્યું હતું.

કલેક્ટરએ ઉપસ્થિત સૌ નગરજનોને ૮૦માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવા માટે અનેક નામી-અનામી શહીદોએ પોતાની શહાદત આપી છે. તેનું સ્મરણ કરવાનો અને ભારતને મળેલી આ મહામૂલી આઝાદી આગળ પણ ધબકતી અને વિકસતી રહે તે માટે કટિબદ્ધ થવાનો આ અવસર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ આવેલું છે. ગાંડી ગીર, કેસર કેરી અને કેસરી સિંહનું સાયુજ્ય જ્યાં સધાય છે, તેવા ગીર સોમનાથ જિલ્લાએ હંમેશા વિકાસની દોડમાં અગ્રેસર બનીને કાર્ય કર્યું છે.

ભારતની આઝાદીની લડતમાં પ્રાણની આહૂતિ આપનાર લડવૈયાઓ સાથે મહાત્મા ગાંધી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર, સરદારસિંહ રાણાના પ્રદાનને યાદ કરીને કલેક્ટરએ તેમનું ભાવસ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સેવા, સુશાસનનો મંત્ર ધ્યાનમાં રાખી નાગરિકો માટે સમાન તકો ઉભી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગરીબો,વંચિતો, પીડિતો અને શોષિતો અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસમંત્ર સાથે દેશના વિકાસની ગતિ વેગવાન બની છે. ગુજરાત આજે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ રોલમોડેલ બન્યું છે. ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડી જિલ્લો વિકાસની ગતિમાં અગ્રેસર બન્યો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કલેક્ટરએ આયુષ્માન કાર્ડ, વય વંદના યોજના, કૃષિ, સિંચાઈ, ખેતીવાડી, બાગાયત, બંદર વિકાસ સહિતના વિભાગો થકી જિલ્લાના નાગરિકોને મળેલા લાભની વાત કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાને પ્રગતિના નવા સોપાન પર લઈ જવા જનભાગીદારી સાથે આગળ વધવાનું પ્રણ લઈ રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનવાનું કલેક્ટરએ આહવાન આ તકે કર્યું હતું.

જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

કલેક્ટરએ વેરાવળ પ્રાંત અધિકારી શ્રી જે.વી.કાકડિયાને તાલુકાના વિકાસ કામો માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

કલેક્ટરઅને મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષનું સન્માન કરાયું હતું.

પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એન.સી.સી પ્લાટૂન, બેન્ડ પ્લાટૂને દેશભક્તિસભર સુરાવલીઓ સાથે પરેડ યોજી હતી. આ સમગ્ર પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર પી.આઈ એસ.વી.રાજપૂતે કર્યું હતું.

વિદ્યાર્થીઓએ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર સૈનિકોની સાહસ, વીરતા અને શૌર્યસભર ગાથા રજૂ કરી હતી તો અન્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં કથ્થક નૃત્ય, જૂડો-કરાટે સહિતના શારીરિક કરતબો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતાં. ગીર સોમનાથની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી.

કાર્યક્રમના અંતે વંદે માતરમના ગાન અને ગ્રીન ગુજરાતની વિભાવનાને સાકાર કરતા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર , નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત ગણમાન્ય નાગરિકો અને વેરાવળના નગરજનો સહભાગી થયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande