
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાટણ ખાતે ગુરુકૃપા ગેસ સર્વિસ–ભારતગેસ ડિસ્ટ્રિબ્યુટર દ્વારા એસ. કે. બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી.
શિબિરમાં બ્લડ બેંકની તબીબી ટીમ દ્વારા રક્તદાતાઓની આરોગ્ય તપાસ અને જરૂરી સલામતી પ્રક્રિયા બાદ રક્તદાન કરાવવામાં આવ્યું હતું. ગુરુકૃપા ગેસ સર્વિસના ઓફિસ, ડિલિવરી તથા અન્ય કર્મચારીઓએ આયોજનમાં સક્રિય સહયોગ આપ્યો હતો.
વિશેષરૂપે, સંસ્થાના કર્મચારીઓએ પણ સ્વૈચ્છિક રક્તદાન કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ સાથે માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ગુરુકૃપા ગેસ સર્વિસ પરિવાર દ્વારા જણાવાયું હતું કે, સ્વતંત્રતા દિવસના પવિત્ર અવસરે રક્તદાન દ્વારા જરૂરિયાતમંદનું જીવન બચાવવું એ પણ દેશ અને સમાજની સાચી સેવા છે. શિબિરને સફળ બનાવવા બદલ બ્લડ બેંકની ટીમ અને તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ