
અમદાવાદ,15 ઓગસ્ટ (હિ.સ.) 15મી ઓગસ્ટ 2026 આઝાદીના 80 મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમદાવાદ પાલડી સ્થિત કોંગ્રેસ પાર્ટીના રાજીવ ગાંધી ભવન ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું.
ધ્વજવંદન બાદ અમિત ચાવડાએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી દેશના બંધારણ અને વિકાસનો ઉલ્લેખ કર્યો હતો, સાથે જ વીર સાવરકર કૉમ્પ્લેક્સ, દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેના સભાસ્થળના શુદ્ધિકરણ મુદ્દે અને મહિલા અનામત બિલના અમલીકરણ અંગે શાસક પક્ષ ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા.
અમદાવાદમાં વીર સાવરકરના નામના બેનરો અને સ્ટેડિયમ પર નેમ પ્લેટ લગાવવા સામે વિરોધ નોંધાવતા ચાવડાએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિનું દેશની આઝાદીમાં જરાય પણ યોગદાન નથી અને જેને અંગ્રેજોની માફી માંગી હોય તેવા પુરાવા બોલતા હોય છતાં તેના નામનો શાળાઓમાં પાઠ ભણાવવામાં આવે છે. ગોડસેના મંદિરો બનાવવાની શરૂઆત કરવામાં આવે છે.
આ સાથે જ ઉત્તરાખંડમાં દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ RSS અને VHP દ્વારા કરાયેલા કથિત શુદ્ધિકરણના કાર્યક્રમની સખત શબ્દોમાં ટીકા કરી હતી. 80 વર્ષ પછી પણ આ લોકોની વિચારધારામાં કોઈપણ પ્રકારનો બદલાવ આવ્યો નથી. અમે લોકો બંધારણીય અધિકાર માટે લડીશું અને જ્યાં પણ અન્યાય ખાતે ત્યાં તે પણ લોકોની આખડી છીનવાશે તેમના માટે લડવાનો સંકલ્પ આજના દિવસે કરવામાં આવ્યો છે.
મહિલા અનામત બિલ પર અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી છેલ્લા 12 વર્ષથી શાસનમાં છે. મહિલા રિઝર્વેશનનો સૌથી પહેલો વિચાર કોંગ્રેસની વિચારધારાથી શરૂ કરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 33 ટકા મહિલા રિઝર્વેશનની શરૂઆત કરી હતી. મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં રિઝર્વેશન મળવું જોઈએ તેવી વાત UPA સરકારમાં કરવામાં આવી છે.
રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અનેક વખત કહી ચૂક્યા છે કે 2023માં સર્વ સંમતિથી મહિલા રિઝર્વેશન બિલ દેશની પાર્લામેન્ટમાં પારિત કરવામાં આવ્યું હતું. પરંતુ તે બાદ તેને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેને કેમ રોકવામાં આવી રહ્યું છે? જો ખરેખરમાં મહિલા રિઝર્વેશન લાવવા માંગતા હોય તો પછી 2023 માં બિલ પસાર થયું તેને અમલમાં કેમ હજી સુધી લાવવામાં આવ્યું નથી? અમે બધા તમારી સાથે છીએ પરંતુ તમને કોણ રોકી રહ્યું છે? માત્ર લાલ કિલ્લા પરથી બોલવાથી કંઈ નહીં થાય જે બિલ પસાર થયું છે તેને અમલમાં મૂકવામાં આવે તેવી અમે લોકો માંગ કરીએ છીએ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ