
રાજપીપળા,15 ઓગસ્ટ (હિ.સ.) ઉત્તરવાહિની મા નર્મદાના પવિત્ર કિનારે આવેલા સ્વામી રામાનંદ સંત આશ્રમ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતના ૮૦મા સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
મહામંડલેશ્વર પૂજ્ય અભિરામદાસ ત્યાગીજી મહારાજના સાનિધ્યમાં સંતો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંતોએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. પવિત્ર મા નર્મદાના કિનારે તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ ઉજવણી દેશભક્તિના રંગે રંગાઈ હતી.બીજી બાજુ સરકારી કચેરીઓ, શાળાઓ અને સંસ્થાઓની જેમ તિરંગો ફરકાવી દેશભક્તિના ગીતો ગુંજ્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ ગીતોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નાગરિકોએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ